ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

પૂ.શ્રી મોટા

શ્રી સાંકળચંદભાઈ પટેલ

ડૉ.ધીરુભાઈ ઠાકર

વિશ્વકોશનું જૂનું મકાન

ગુજરાત રાજ્યની સ્‍થાપના પછી ગુજરાતી પ્રજાની અસ્મિતાને ઉપસાવનારાં વિવિધ સાંસ્‍કૃતિક પરિબળો અસ્તિત્વમાં આવ્‍યાં. તેમાં એક તે વિશ્વકોશરચનાની પ્રવૃત્તિ. શિક્ષણ અને સાહિત્યનાં પોષણ-સંવર્ધન માટેના પ્રોત્‍સાહક સંજોગો ઊભા થતાં અનેક જ્ઞાનવર્ધક યોજનાઓ અમલમાં મૂકવાનો ઉપક્રમ વિચારાયો.

આશ્ચર્યની વાત એ છે કે આવા ઉપક્રમનો વિચાર શાસક કે શિક્ષણક્ષેત્રના કોઈ અગ્રણીને આવવાને બદલે ‘ગુજરાતને બેઠો કરવાની’ હોંશ ધરાવતા ગુજરાતના એક કર્મઠ સંત પૂ. શ્રી મોટાના મનમાં આવ્‍યો. ગુજરાતની અસ્મિતાને ઊજળી કરનારા અન્‍ય કાર્યક્રમોની સાથે ભાષા અને સાહિત્યના વિકાસ માટે વિશ્વ સમસ્‍તના જ્ઞાનવિજ્ઞાનની તમામ શાખાઓની માહિતી એક જ સ્‍થળે ઉપલબ્‍ધ થાય તેવો સર્વસાધારણ વિશ્વકોશ (general encyclopaedia) ગુજરાતીમાં તૈયાર કરવા માટે તેમણે ગુજરાત યુનિવર્સિટીને દસ લાખ રૂપિ‍યાનું દાન આપ્‍યું.

યુનિવર્સિટીએ આને માટે જુદો વિભાગ રચીને ડૉ. ધીરુભાઈ ઠાકરને તેનું કામ સોંપ્‍યું, પણ સરકારી ગ્રાન્‍ટ ઉપલબ્‍ધ ન થતાં તે કામ બંધ થયું. પાંચ વર્ષ પછી, ૧૯૮૫ના ઑગસ્‍ટમાં, ડૉ. ધીરુભાઈ ઠાકરને વિસનગર જવાનું થયું. ત્યાં તેમના જૂના મિત્ર, સ્‍વાતંત્ર્યસેનાની અને ઉત્તર ગુજરાતના અગ્રણી કાર્યકર શ્રી સાંકળચંદ પટેલને ઘેર જમતાં જમતાં, ગુજરાત સરકારે ગુજરાતી પ્રજાના ઉત્કર્ષ માટેનું જ્ઞાનસાધન વિશ્વકોશ ઉપલબ્‍ધ કરવાની યોજના રદ કરી તેની વાત નીકળી.

શ્રી સાંકળચંદ પટેલ સાત ચોપડી ભણેલા. તેમને વિશ્વકોશ એટલે શું તેની ખબર નહોતી. તેમના મિત્રે તેમને 'દુનિયાભરનું જ્ઞાન ગુજરાતી ભાષામાં ઉતારી આપે તે વિશ્વકોશ' એવી સમજ પાડી અને દરેક પ્રજાને પોતાની ભાષામાં એ જ્ઞાનસાધન ઉપલબ્‍ધ હોવું જોઈએ એની પ્રતીતિ થતાં શ્રી સાંકળચંદભાઈ એને માટેના ખર્ચનો પ્રબંધ કરવા તૈયાર થયા અને તેને તૈયાર કરવાની જવાબદારી ડૉ. ધીરુભાઈને સોંપી. તેને માટે કેટલાક અગ્રણી વિદ્વાનોના સહકારની ખાતરી મળી.

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટની સ્‍થાપના થઈ. શ્રી શ્રેણિકભાઈ કસ્‍તૂરભાઈ (અધ્યક્ષ) અને શ્રી સાંકળચંદભાઈ તથા શ્રી ધીરુભાઈ ઠાકર ઉપરાંત પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, શ્રી દીપચંદભાઈ ગારડી, શ્રી કંચનલાલ પરીખ અને શ્રી પ્રભુદાસ પટેલનું ટ્રસ્‍ટીમંડળ રચાયું. પછીથી શ્રી હીરાલાલ ભગવતી અને શ્રી બળદેવભાઈ ડોસાભાઈ જોડાયા. મોટું કૉલેજસંકુલ ધરાવતી અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ કામ કરવા માટે મકાનની સગવડ કરી આપી. તેમાં જરૂરી વ્‍યવસ્‍થા થતાં ૧૯૮૫ની બીજી ડિસેમ્‍બરે વિદ્વાનો અને થોડા કર્મચારીઓના સ્‍ટાફ સાથે વિશ્વકોશ-નિર્માણની શુભ શરૂઆત થઈ. વિશ્વકોશમાં સમાવેશ પામે તેવાં ૧૭૦થી અધિક વિષયોનાં ૨૩૦૯૦થી વધુ અધિકરણોની વિષયવાર યાદી સહિત, સમગ્ર યોજનાનો વિગતે પરિચય આપતો ભૂમિકાખંડ તૈયાર થયો.