ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

ગુજરાતી વિશ્વકોશના પચીસ ગ્રંથોની શ્રેણી પૂરી થાય તે પહેલાં આ ટ્રસ્‍ટે અનેકવિધ ભાવિ યોજનાઓ કરી છે. જેમાં બાળવિશ્વકોશ અને ચરિત્રકોશનું કામ ચાલી રહ્યું છે. બાળવિશ્વકોશના ચાર ગ્રંથ પ્રકાશિત થઈ ચૂક્યા છે. આયુર્વિજ્ઞાન(તબીબીશાસ્‍ત્ર)ને લગતા લેખોનો સંચય કરીને પણ પુસ્‍તક પ્રગટ કરવાની યોજના છે. જેમ કે આ ટ્રસ્‍ટ તરફથી કૅન્‍સર વિશેનું સચિત્ર પુસ્‍તક પ્રગટ થયું છે. જેની ચાર આવૃત્તિ થઈ છે. તે રીતે બીજા રોગો વિશેનાં પુસ્‍તકો પણ પ્રગટ કરવાની યોજના છે.

પારિભાષિક કોશ, નાટ્યકોશ, સમાજવિજ્ઞાન કોશ, જૈવવિજ્ઞાનકોશ, ભૌતિકવિજ્ઞાનકોશ, ધર્મતત્વકોશ જેવા વિવિધ વિષયના કોશો પણ પ્રગટ કરવાની યોજના છે.

ગુજરાત સરકાર તરફથી બહાર પડતા ગૅઝેટિયરનું કામ પણ સરકાર તરફથી ગુજરાત વિશ્વકોશ ટ્રસ્‍ટને સોપાયું છે, જેના ઉપક્રમે જૂનાગઢ જિલ્લાનું અને ડાંગ જિલ્લાનું ગૅઝેટિયર પ્રગટ થઈ ગયું છે.

વિશ્વકોશના દરેક ખંડને અંતે પરિભાષા મૂકવામાં આવી છે. આ પરિભાષા ગુજરાતી-અંગ્રેજી અને અંગ્રેજી-ગુજરાતી એમ મૂકેલી છે. વિશ્વકોશના દરેક ગ્રંથની પરિભાષા એકત્રિત કરીને તેનો સર્વગ્રાહી કોશ બનાવવાનું કાર્ય ચાલે છે. આ પરિભાષા કોશનું પણ કામ ચાલુ થઈ ગયું છે.