ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

વિશ્વકોશના વિષયવાર, વિદ્યાશાખાવાર, ચરિત્રાત્મક એમ અનેક પ્રકારો છે. સૌથી મોટો પ્રકાર તે સર્વસામાન્‍ય (general) વિશ્વકોશ છે. તેમાં તમામ વિદ્યાશાખાના વિષયો અને તેનું સર્વાંગસંપૂર્ણ જ્ઞાન સમાવવામાં આવે છે. સામાન્‍ય રીતે કોઈ પણ ભાષામાં વિશ્વકોશની રચના કરવી હોય, તો સર્વસામાન્‍ય વિશ્વકોશથી એનો આરંભ થાય છે. તે પછી અનુકૂળતા મુજબ અન્ય પ્રકારના વિશ્વકોશો હાથ પર લેવાય છે. એ પદ્ધતિ મુજબ સૌપ્રથમ સર્વસંગ્રાહક પ્રકારનો વિશ્વકોશ રચવાનો નિર્ણય કર્યો. ૨૫ ગ્રંથોની શ્રેણીમાં વિશ્વકોશની રચના કરવી એમ નક્કી કર્યું. દરેક ગ્રંથ ૧/૪ ડેમી સાઇઝનો આશરે ૧,૦૦૦ પૃષ્‍ઠનો હોય અને દરેક પૃષ્‍ઠમાં આશરે ૭૫૦ શબ્દો સમાવેશ પામે એવી ડિઝાઇન આરંભમાં નક્કી થઈ.

તે પછી દરેક વિષય કે વિષયજૂથનાં મહત્ત્વ અનુસાર અધિકરણો નક્કી કરવામાં આવ્‍યાં. અધિકરણની પસંદગી તેને માટે નિયુક્ત થયેલી નિષ્‍ણાત સમિતિ કરે છે. તેમાં (અ) વિષય સાથેનો અધિકરણનો સંબંધ (આ) સમગ્ર જ્ઞાનની દૃષ્ટિએ અધિકરણનું મહત્ત્વ અને (ઇ) વિષયનું સર્વાંગીણ અદ્યતન અને પ્રમાણભૂત નિરૂપણ થાય તે દૃષ્ટિએ અધિકરણની ઉપયોગિતા - એમ ત્રણ બાબતો લક્ષમાં લેવાય છે.

દરેક વિષયને માટે નિયુક્ત થયેલી નિષ્‍ણાત સમિતિ અધિકરણના મહત્ત્વ અનુસાર તેનું કદ નક્કી કરીને દરેક અધિકરણને, સમગ્ર વિષય માટે ફાળવેલા શબ્દોની મર્યાદામાં રહીને, શબ્‍દો ફાળવે છે. આ જ સમિતિ અધિકરણના લેખકની પસંદગી કરે છે, તેમાં લેખકની શૈક્ષણિક યોગ્‍યતા ઉપરાંત લેખનનો અનુભવ અને વિષય પ્રત્યેનો તેનો અભિગમ વિશેષ કરીને ધ્યાનમાં રખાય છે.

લેખકને નિમંત્રણ મોકલતી વખતે પ્રથમ વાર અધિકરણ-લેખનના માળખા(format)ની છાપેલી એક નકલ મોકલવામાં આવે છે. તેમાં દર્શાવેલી સૂચના અનુસાર લેખકે અધિકરણ લખવાનું રહે છે. અધિકરણના પ્રકાર અને સ્‍વરૂપ પ્રમાણે લખાણના માળખાની રૂપરેખા માર્ગદર્શિકામાં દર્શાવેલી હોય છે. તેમાં વિશ્વકોશની શિસ્‍ત પ્રમાણે લખાણમાં એકરૂપતા (uniformity), તટસ્‍થતા, સંક્ષિ‍પ્‍તતા અને ભાષાશુદ્ધિ જાળવવા ઉપર ભાર મૂકવામાં આવ્‍યો છે.

લેખક તરફથી લખાણ તૈયાર થઈને આવે તે પછી તેનું પ‍રામર્શન જે-તે વિષયના નિષ્‍ણાતો કરે છે. તેમાં માહિતીની પ્રમાણભૂતતા અને અદ્યતનતાની ખાસ ચકાસણી કરવામાં આવે છે. પરામર્શન થયા પછી લખાણ ભાષાના નિષ્‍ણાત પાસે જાય છે, તેમાં સામગ્રીના સુગ્રથન અને નિરૂપણની શુદ્ધતા ચકાસાય છે. તે પછી સંપાદક તેનું સર્વસામાન્‍ય સ્‍વરૂપનું સંશોધન-સંપાદન કરીને તેને મુદ્રણ માટેની નકલ તૈયાર કરવા સોંપે છે.

નકલ થયા પછી લેખનું કમ્પ્‍યૂટરમાં ટાઇપ-સેટિંગ થાય છે અને તેનું પ્રથમ પ્રૂફ સુધારાય છે. આ કક્ષાએ તેમાં લેખકની સૂચના મુજબનાં ચિત્રો કે આકૃતિઓ ઉમેરવામાં આવે છે. એ રીતે લેખ બે પ્રૂફમાંથી પસાર થઈને તૈયાર થયા બાદ પેજિંગ માટે વર્ણાનુક્રમે ગોઠવાય છે. નિશ્ચિત લે-આઉટમાં કરેલી ગોઠવણી ચકાસાય છે. છેવટે તે મુખ્‍ય સંપાદક પાસે રજૂ થતાં તે સમગ્ર લખાણ વાંચીને મંજૂરી આપે તે પછી તેની બટરપ્રિન્ટ કાઢવામાં આવે છે.