ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ

બલૂન


બલૂન અને ઍરશિપ

 

બલૂન : ગરમ હવા કે હલકો વાયુ ભરવાથી ઊંચે ચઢે અને હવામાં તરે એવો કોથળો કે ગુબ્બારો.

 

બલૂન પ્લાસ્ટિક, રબરનું પડ ચડાવેલ સુતરાઉ કાપડ, નાયલૉન, પૉલિથીન કે પૉલિયેસ્ટરનું બનેલું હોય છે. તેને ફુલાવતાં તે ઘર જેટલું મોટું બની શકે છે. તે ઊંચે ચઢે છે, કારણ કે તેમાં ભરેલો વાયુ કે ગરમ હવા આસપાસની હવા કરતાં ઓછાં ઘટ્ટ (એટલે કે હલકાં) હોય છે. બલૂન સાથે તાર કે દોરી વડે બાસ્કેટ લટકાવવામાં આવે છે. તેમાં ખલાસી-જૂથ(crew)ને અને મુસાફરોને બેસવાની તથા ગૅસ-સિલિન્ડર અને અન્ય સાધન-સામગ્રી રાખવાની સગવડ હોય છે. ગરમ હવા વડે ઊડતા બલૂનમાં ગૅસ-બર્નર વડે બલૂનને નિશ્ચિત ઊંચાઈએ રાખી શકાય છે. બર્નર ચાલુ કરતાં અંદરની હવા ગરમ થાય છે અને બલૂન ઊંચે ચડે છે. અંદરની હવા ઠંડી પડે ત્યારે બલૂન નીચે આવે છે અને ઊંચાઈ ગુમાવે છે. આમ તો પવન લઈ જાય તે દિશામાં બલૂન જાય છે; પણ અનુભવી પાઇલટ ઊંચાઈ બદલીને યોગ્ય દિશામાં વહેતા પવનને પકડીને બલૂનને હંકારી શકે છે. ઉતરાણ (landing) બાદ બલૂનની ટોચ પરની રિપ-પૅનલ (rip-panel) ખોલી નાખવામાં આવે છે. આથી હવા બહાર નીકળી જાય છે.

 

લગભગ ૨૦૦ વર્ષ અગાઉ (૧૭૮૩માં) ઊડેલું પ્રથમ બલૂન ગરમ હવાથી ઊડે એવું ફ્રાન્સમાં મૉન્ટગૉલ્ફિયર ભાઈઓએ બનાવેલું. તે જ વર્ષે ફ્રાન્સના જ રસાયણવિદ ચાર્લ્સ અને બે રૉબર્ટ ભાઈઓએ હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કરી બલૂન ઉડાડેલું. જોકે આ વાયુ સળગી ઊઠે તેવો હોઈ હવે હાઇડ્રોજનને બદલે હિલિયમનો ઉપયોગ થાય છે. જે હવા કરતાં હલકો હોય છે અને સળગી ઊઠે તેવો હોતો નથી.

 

બલૂન હવામાન અને બ્રહ્માંડના ઊંડાણમાંથી આવતાં બ્રહ્માંડ-કિરણો (ર્ષ્ઠજદ્બૈષ્ઠ ટ્ઠિઅજ) વિશે માહિતી એકઠી કરવા તથા હવામાનની આગાહી કરવા માટે ઉપયોગી છે. ખગોળશાસ્ત્રીઓ અને અન્ય વૈજ્ઞાનિકો પણ વિવિધ પ્રયોગો કરવા તેમ જ ઊંચાઈએ આવેલા વાતાવરણની વિગતો મેળવવા બલૂન વાપરે છે.

 

ભારતમાં હૈદરાબાદ ખાતે તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્‌ ફન્ડામેન્ટલ રિસર્ચ(મુંબઈ)માં સંશોધન માટે બલૂન ઉડાડવાની સુવિધા છે.

 

ઍરશિપ : જુદી જુદી દિશામાં વાળી તથા હંકારી શકાય તેવું (dirigible) ભૂંગળા આકારનું બલૂન.

 

આધુનિક ઍરશિપમાં હિલિયમ જેવો હલકો વાયુ ભરવામાં આવે છે. ઍરશિપે ખસેડેલી હવા કરતાં તેનું વજન ઓછું હોવાથી તે બલૂનની માફક ઊંચે ચડે છે; પણ બલૂન કરતાં તે એ રીતે અલગ પડે છે કે તેમાં તેને ગતિ આપવા તથા દોરવા માટેનાં યંત્રો અને સાધનો હોય છે. તેના નીચેના ભાગમાં મુસાફરો બેસી શકે તેવો લટકતો ડબો (gondola) હોય છે. પાઇલટ સુકાન(rudder)ના ઉપયોગ દ્વારા તેને નિશ્ચિત દિશામાં હંકારી શકે છે. વિમાનની માફક તેને ઊંચે ચડાવવા કે નીચે ઉતારવા માટે એલિવેટર હોય છે.

 

ફ્રેંચ ઇજનેર હેન્રી ગિફર્ડે સૌપ્રથમ ઍરશિપ બનાવ્યું અને ૨૪ સપ્ટેમ્બર, ૧૮૫૨ના રોજ તેને પૅરિસથી ૨૭ કિમી. દૂર સુધી ઉડાવેલું. ૧૯૦૦માં જર્મન ઇજનેર કાઉન્ટ ફર્ડિનાન્ડ વૉન ઝેપેલિને ઝેપેલિન તરીકે ઓળખાતાં ઍરશિપ બનાવ્યાં, જેમનો જર્મનીએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ઉપયોગ કરેલો. ગ્રેટ બ્રિટન, અમેરિકા વગેરે દેશોએ પણ ઍરશિપ બનાવ્યાં છે.

 

આધુનિક ઍરશિપમાં મુસાફરી શાંત, સલામત અને સુવિધાભરી હોય છે, કારણ કે તે હવામાં સ્થિર રહી શકે છે. ફોટોગ્રાફી અને ટેલિવિઝનની કામગીરી માટે તે ઉપયોગી થાય છે. વિમાન અને હેલિકૉપ્ટર વપરાશમાં આવ્યા બાદ ઍરશિપ મુસાફરો માટે હવે ખાસ વપરાતું નથી.

 

-શુભ્રા દેસાઈ